દિલ્લી અને એનસીઆરમાં શિયાળાનો પ્રભાવ ધીમે ધીમે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન સતત ઘટતું જતા હવે દિવસ દરમિયાન પણ હળવી ઠંડી અનુભવાઈ રહી છે. નવેમ્બરનો છેલ્લો દિવસ હોવા છતાં આ વખતના નવેમ્બરમાં દિલ્હીમાં સામાન્ય કરતાં ઓછી ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન આશરે 24 ડિગ્રી અને લઘુત્તમ 9 ડિગ્રી રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં પણ પારું લગભગ આવી જ આસપાસ રહેશે. ઉત્તર ભારતમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ઘેરા ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. પંજાબ અને ઓડિશામાં 30 નવેમ્બરે શીતલહેરની શક્યતા છે. પંજાબના ફરીદકોટમાં 2.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે આ સિઝનમાં મેદાની વિસ્તારોમાં અત્યાર સુધીનું સૌથી ઓછું છે.
પર્વતીય વિસ્તારોનું હવામાન
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ તથા હિમાચલના અનેક વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીથી નીચે ઉતર્યું છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના કેટલાક વિસ્તારોમાં રાત્રીનું તાપમાન 6 થી 10 ડિગ્રી વચ્ચે રહ્યું. અમૃતસરમાં 6.4 ડિગ્રીનું લઘુત્તમ તાપમાન નોંધાયું.
ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી ઓછું રહ્યું. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી 2 થી 4 ડિગ્રીનો વધુ ઘટાડો થઈ શકે છે, ત્યાર બાદ હવામાનમાં સ્થિરતા આવશે. ઉત્તરપૂર્વમાં હાલનું તાપમાન યથાવત રહેશે, પરંતુ પછી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી 24 કલાક સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.
ચક્રવાત ‘દિત્વા’નો પ્રભાવ
શ્રીલંકાની નજીક અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલો ચક્રવાત દિત્વા દક્ષિણ ભારતીય રાજ્યોમાં હવામાનમાં ઝડપી બદલાવ લાવી રહ્યો છે. આ સિસ્ટમ 30 નવેમ્બરે દક્ષિણ ભારતમાં ત્રાટકવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને તમિલનાડુમાં 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી છે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. 2 અને 3 ડિસેમ્બરે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં વીજળી સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.