કોંગ્રેસ ઘાસ (ગાજર ઘાસ / Parthenium) : ખેતી માટે કેન્સર, તેને જડમૂળથી નાશ કરવાની સંપૂર્ણ માહિતી
આજે ભારતના ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે – કોંગ્રેસ ઘાસ અથવા ગાજર ઘાસ. આ સફેદ ફૂલવાળું ઘાસ ખેતરમાં એક વાર ફેલાય તો પાકની ઉપજમાં 40% થી 60% સુધીનો ઘટાડો કરી શકે છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આ ઘાસ જમીનને બંજર બનાવી દે છે.
કોંગ્રેસ ઘાસનો ઇતિહાસ
આ ઘાસ ભારતીય નથી. 1950ના દાયકામાં જ્યારે ભારતમાં અનાજની અછત હતી, ત્યારે અમેરિકાથી લાલ ઘઉં મંગાવવામાં આવ્યા હતા. તેની સાથે આ ઘાસના બીજ અજાણતા આવી ગયા. અંગ્રેજીમાં તેને Parthenium hysterophorus કહેવામાં આવે છે. આજે આ ઘાસ કરોડો એકર જમીન પર ફેલાઈ ચૂક્યું છે.
આ ઘાસ કેટલું ભયાનક છે?
- એક નાનો છોડ 25,000થી વધુ બીજ પેદા કરે છે.
- બીજ હવા અને પાણી દ્વારા આસાનીથી ફેલાય છે.
- જમીનમાંથી ઝીંક, ફોસ્ફરસ અને નાઇટ્રોજન જેવા મહત્વના પોષક તત્વો ઝડપથી ખેંચી લે છે.
- પરિણામે પાકને જરૂરી પોષણ મળતું નથી અને જમીન ધીરે ધીરે નબળી પડી જાય છે.
માનવ અને પશુઓને નુકસાન
- તેના પાન અને ફૂલમાંથી નીકળતા ઝીણા રજકણો ચામડીને અડે તો ખરજવું, ધાધર, સોજો થઈ શકે છે.
- શ્વાસમાં જાય તો અસ્થમા અને એલર્જી થઈ શકે છે.
- પશુઓ આ ઘાસ ખાય તો દૂધમાં કડવાશ આવે છે, દૂધનું પ્રમાણ ઘટે છે અને પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.
સલાહ: આ ઘાસ ઉખાડતી વખતે હંમેશા મોજા અને માસ્ક પહેરવા જરૂરી છે.
કોંગ્રેસ ઘાસને જડમૂળથી નાશ કરવાની પદ્ધતિઓ
1. જૈવિક (બાયોલોજિકલ) નિયંત્રણ
- જીવડું (Zygogramma bicolorata): વૈજ્ઞાનિકોએ આ જીવડું શોધ્યું છે જે માત્ર કોંગ્રેસ ઘાસને જ ખાય છે. ચોમાસામાં જો આ જીવડા જોવા મળે તો તેમને સાચવી રાખવા. તેઓ આપોઆપ ઘાસનો સફાયો કરે છે.
- વધુ માહિતી માટે નજીકની કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કરો.
2. દેશી અને સરળ પદ્ધતિ – કુવાડિયો ઘાસ (કુવાડિયા ઘાસ)
કુવાડિયો ઘાસ જ્યાં ઉગે છે ત્યાં કોંગ્રેસ ઘાસ ઉગતું નથી. ખેતરની પાળી (સેઢ) પર કુવાડિયા ઘાસના બીજ વાવી દો. તે કોંગ્રેસ ઘાસને દબાવી દેશે. પછી કુવાડિયા ઘાસને સરળતાથી દૂર કરી શકાય છે.
3. મીઠું + યુરિયાનો છંટકાવ (નાના ઘાસ માટે)
- 15 લિટર પંપમાં 2 કિલો મીઠું + થોડું યુરિયા નાખો.
- આ મિશ્રણ કોંગ્રેસ ઘાસ પર છંટકાવ કરો.
- મહત્વનું: માત્ર સેઢા પર અથવા ખાલી ખેતરમાં જ વાપરો. ઊભા પાકમાં નહીં.
4. રાસાયણિક નિયંત્રણ (હર્બિસાઇડ)
A. ખાલી ખેતર અથવા સેઢા માટે:
- ગ્લાયફોસેટ 41% SL (રાઉન્ડઅપ, મીરા 71 વગેરે)
- 15 લિટર પંપમાં 120 થી 150 મિલી દવા + એક મુઠ્ઠી યુરિયા
- યુરિયા દવાની અસર વધારે છે અને મૂળ સુધી પહોંચાડે છે.
B. ઊભા પાકમાં (મકાઈ, શેરડી, ઘઉં વગેરે):
- 2,4-D એમાઈન સોલ્ટ 58%
- 15 લિટર પંપમાં 40 થી 50 મિલી દવા
- આ દવા લાંબા પાનવાળા પાકને અસર કરતી નથી પણ ગાજર ઘાસને મારી નાખે છે.
C. સોયાબીન અને મગફળીમાં:
- ઈમેઝેથાપીર (Imazethapyr) દવાનો ઉપયોગ કરી શકાય.
D. શાકભાજીના ક્યારા વચ્ચે:
- ગ્લાયફોસેટ છંટકાવ કરી શકાય, પરંતુ શાકભાજીના પાન પર દવાનું ટીપું ન પડે તેનું ધ્યાન રાખો. નોઝલ પર પ્લાસ્ટિકની ટોપી લગાવીને છંટકાવ કરો.
છંટકાવ વખતે મહત્વની સાવધાનીઓ
- જમીન સુકી હોય ત્યારે છંટકાવ કરો (વરસાદ અથવા પિયત પછી નહીં).
- સ્ટીકર (સિલિકોન બેઝ) વાપરો કારણ કે ઘાસના પાન પર રૂવાટી હોય છે.
- 4થી 6 પાનના તબક્કે છંટકાવ કરો – આ સમયે 100% રિઝલ્ટ મળે છે. ફૂલ આવી ગયા પછી અસર ઓછી થાય છે.
અંતિમ સલાહ
જો આપણે અત્યારે જાગૃત ન થઈએ તો આવનારા વર્ષોમાં આ ઘાસ આપણી જમીનને સંપૂર્ણપણે બંજર બનાવી દેશે. તેથી આ માહિતીને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો જેથી વધુને વધુ ખેડૂત ભાઈઓને ફાયદો થાય.
તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો.