સેવન્થડે સ્કૂલમાં સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા:સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓની મારામારી 

સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં

સરકારના હસ્તક વહીવટ હેઠળ ચાલી રહેલી સેવન્થ સ્કૂલમાં ફરી એકવાર વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો સામે આવતા શાળાની શિસ્ત વ્યવસ્થા અને સંચાલન પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો કેસ ઉજાગર થયો છે. આક્ષેપ મુજબ, આરોપી વિદ્યાર્થીઓએ બ્લેડથી તેના શર્ટ પર કાપ મારી તેમાંનાં બટન પણ ફાડી નાંખ્યાં હતાં. આ ઘટનાએ વાલીઓ અને શિક્ષણ વિભાગ બંનેમાં ચિંતા ઉભી કરી છે.

મોનીટર વિદ્યાર્થીને નિશાન બનાવી હુમલો

માહિતી મુજબ માર ખાધેલો વિદ્યાર્થી શાળામાં મોનીટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેણે સાથી વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રહેવા જણાવ્યું હતું, જે બાબતે નારાજગી રાખીને ત્રણ વિદ્યાર્થીઓએ તેને એકાંતમાં લઈ જઈ મારપીટ કરી હતી. બ્લેડ વડે શર્ટ કાપી નાખવાની ઘટના પછી શાળામાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું હતું.

શિક્ષણ વિભાગ હરકતમાં – તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીએ તાત્કાલિક પગલાં લેતા એક તપાસ ટીમ સ્કૂલમાં મોકલી છે. આ ટીમ દ્વારા આરોપી વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવશે. સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ તથા એડમિનિસ્ટ્રેશનને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. સરકાર સંચાલિત શાળામાં આવી ગંભીર ઘટના બનતા વાલીઓમાં રોષ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થયા છે.

હવે ધ્યાન સૌનું આ વાત પર ટકેલું છે કે શિક્ષણ વિભાગ આ મામલે કેટલા સખ્ત પગલાં ભરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કઈ અસરકારક વ્યવસ્થા અમલમાં મૂકે છે.

Leave a Comment